Corona Update: સરકારે કહ્યું- ગર્ભવતી મહિલાઓને કોરોનાની રસી મૂકાશે નહીં, ખાસ જાણો કારણ
કોરોના વાયરસ વિરુદ્ધ 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. રસીકરણ પહેલા સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ગર્ભવતી મહિલાઓને રસી મૂકાશે નહીં.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) વિરુદ્ધ 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. રસીકરણ પહેલા સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ગર્ભવતી મહિલાઓને રસી (Corona Vaccine) મૂકાશે નહીં. આ ઉપરાંત બાળકો અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ રસી ન મૂકવાની સલાહ અપાઈ છે.
સરકારે કેમ લીધો નિર્ણય?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોવિડ-19 રસી બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ ન મૂકાવે. કારણ કે તેમના ઉપર કોરોના વાયરસ રસીની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવેલી નથી.
મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અગનાની દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે, 'બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને અત્યાર સુધી કોઈ પણ રસીના ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો બનાવવામાં આવ્યા નથી. આથી ગર્ભવતી કે ગર્ભવતી થવા અંગે અનિશ્ચિત મહિલાઓ હાલ કોવિડ-19 રસી ન મૂકાવે.'
પીએમ મોદી કરશે રસીકરણની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. પીએમઓએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, 'પીએમ મોદી 16 જાન્યુઆરીના રોજ સવારે 10.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. તે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે.'
આ 2 રસીને મળી છે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી
અત્રે જણાવવાનું કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ(Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન(Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 15,590 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના નવા 15,590 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,05,27,683 પર પહોંચી ગયો છે. જેમાંથી 2,13,027 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે જ્યારે 1,01,62,738 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. એક જ દિવસમાં 191 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,51,918 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે